Thursday, April 26, 2007

ફોટો

એક વ્રુધ્ધ દંપતી મારા સ્ટુડિયોમાં માંડમાંડ ઉપર આવ્યું. તેમની સાથે એક ત્રણેક વર્ષનું બાળક . તેને તેમની શક્તિ પ્રમાણે બરાબર સજાવવા લાગ્યાં . તેની બાબરી વ્યવસ્થિત કરી. મેં પૂછ્યું , ' કેમ આટલા વાળ છે ? શું બાબરી લીધી છે ?'


વ્રુધ્ધા મારી સામે એકીટસે જોઈ રહી. તેની આંખ ભીની થઈ. તેના હોઠ માંડ માંડ હલ્યા. ઊંડો શ્વાસ ખેંચીને ધીરે રહીને બોલી, 'સા'! ઇના વાંકડિયા અને કાળા ભમર વાળ તો દશ્મનને પણ ગમે તેવા હતા . પણ શી ખબર્ય હતી એક ગોઝારો રોગ વળજ્યો ન આ હમ ખાવાની ચોટલી રઈ. ' વ્રુધ્ધાનું ગળું ભરાઈ ગયું. વ્રુધ્ધ સામે તે જોઈ રહી. વ્રુધ્ધે ઊંડો નિસાસો નાખતાં કહ્યું, ' સા'! હતો તાર તો તે હતો રાતી રાયણ જેવો.. અને ભફલા જેવો . ઈન ઊચકીન દહ ડગલાં ભરતાં તો હોંફી જવાતું . જ્યાર આજ ઈન જુઓ, છ ન દાતણની હૉઠકડી .' વ્રુધ્ધે પણ આંખો લૂછતાં કહ્યું,



'ડૉક્ટરે શું કહ્યું ? દવા - બવા ?'


'દાક્તર ભગવોન ન કહેવરાય . નિતનિત નવા રોગ હતા એટલે રૂપિયા હૉમ્યા . ફોટા પડાયા.... રપૉર્ટ કઢાયાય બધા કે નખમોંય રોગ નથી . અંજીશન અને ગોળીઓ . પણ દા'ડ દા'ડ શરીર લેવાતું જ્યુ ન તમે ....' વ્રુધ્ધે માંડ માંડ કહ્યું . પહેરણની ચાળથી આંખો લૂછી.


`તેના માબાપ નથી કે તમારે આ ઉંમરે ?' મારાથી પુછાઈ ગયું . બંને અન્યોન્ય સામે જોઈ રહ્યાં . જાણે કોણ બોલે ?



`સા'! કારખનેથી કૉમ કરીન બન્યો પાછા વળતાં'તા.... ત્યાં એક ટોળે ઘેરી લીધાં અન ગ્યાસતેલ ... ' વ્રુધ્ધા રડી પડી; ભાંગી પડી . `અમો કમભાગી આ ફૂલન હાચવવા ... તૂટમૂટ ઑયડીમૉ....'



`ભઈ ! આ અમ જીવનની આ એક આશનો અમોન અસ્સ્લ ...' વ્રુધ્ધા પેલા બાળકને તેડી ટેબલ પાસે આવી .


` ભઈલા ! એક ઈનો ફોટો અન એક અમારો ભેગો ...જીવવાનો જોણ આશરોય ... અમ ગરીબ કાજ...'



`કાલે સાંજે આવજો.' મેં ભીના સ્વરે કહ્યું.



`સા'! પૈસા ...? '



`કાલે કહીશ . '



બીજે દિવસે બંને આવ્યાં . વ્રુધ્ધાએ કાળો સાડલો ... વ્રુધ્ધાએ ફોટાને છાતી સરસો દબાવીને ગંગા - જમનાનો અભિષેક ... વ્રુધ્ધે કહ્યું , `લ્યો , હવ ફોટો....'



ભગવત સુથાર

No comments: