Thursday, April 26, 2007

ફોટો

એક વ્રુધ્ધ દંપતી મારા સ્ટુડિયોમાં માંડમાંડ ઉપર આવ્યું. તેમની સાથે એક ત્રણેક વર્ષનું બાળક . તેને તેમની શક્તિ પ્રમાણે બરાબર સજાવવા લાગ્યાં . તેની બાબરી વ્યવસ્થિત કરી. મેં પૂછ્યું , ' કેમ આટલા વાળ છે ? શું બાબરી લીધી છે ?'


વ્રુધ્ધા મારી સામે એકીટસે જોઈ રહી. તેની આંખ ભીની થઈ. તેના હોઠ માંડ માંડ હલ્યા. ઊંડો શ્વાસ ખેંચીને ધીરે રહીને બોલી, 'સા'! ઇના વાંકડિયા અને કાળા ભમર વાળ તો દશ્મનને પણ ગમે તેવા હતા . પણ શી ખબર્ય હતી એક ગોઝારો રોગ વળજ્યો ન આ હમ ખાવાની ચોટલી રઈ. ' વ્રુધ્ધાનું ગળું ભરાઈ ગયું. વ્રુધ્ધ સામે તે જોઈ રહી. વ્રુધ્ધે ઊંડો નિસાસો નાખતાં કહ્યું, ' સા'! હતો તાર તો તે હતો રાતી રાયણ જેવો.. અને ભફલા જેવો . ઈન ઊચકીન દહ ડગલાં ભરતાં તો હોંફી જવાતું . જ્યાર આજ ઈન જુઓ, છ ન દાતણની હૉઠકડી .' વ્રુધ્ધે પણ આંખો લૂછતાં કહ્યું,



'ડૉક્ટરે શું કહ્યું ? દવા - બવા ?'


'દાક્તર ભગવોન ન કહેવરાય . નિતનિત નવા રોગ હતા એટલે રૂપિયા હૉમ્યા . ફોટા પડાયા.... રપૉર્ટ કઢાયાય બધા કે નખમોંય રોગ નથી . અંજીશન અને ગોળીઓ . પણ દા'ડ દા'ડ શરીર લેવાતું જ્યુ ન તમે ....' વ્રુધ્ધે માંડ માંડ કહ્યું . પહેરણની ચાળથી આંખો લૂછી.


`તેના માબાપ નથી કે તમારે આ ઉંમરે ?' મારાથી પુછાઈ ગયું . બંને અન્યોન્ય સામે જોઈ રહ્યાં . જાણે કોણ બોલે ?



`સા'! કારખનેથી કૉમ કરીન બન્યો પાછા વળતાં'તા.... ત્યાં એક ટોળે ઘેરી લીધાં અન ગ્યાસતેલ ... ' વ્રુધ્ધા રડી પડી; ભાંગી પડી . `અમો કમભાગી આ ફૂલન હાચવવા ... તૂટમૂટ ઑયડીમૉ....'



`ભઈ ! આ અમ જીવનની આ એક આશનો અમોન અસ્સ્લ ...' વ્રુધ્ધા પેલા બાળકને તેડી ટેબલ પાસે આવી .


` ભઈલા ! એક ઈનો ફોટો અન એક અમારો ભેગો ...જીવવાનો જોણ આશરોય ... અમ ગરીબ કાજ...'



`કાલે સાંજે આવજો.' મેં ભીના સ્વરે કહ્યું.



`સા'! પૈસા ...? '



`કાલે કહીશ . '



બીજે દિવસે બંને આવ્યાં . વ્રુધ્ધાએ કાળો સાડલો ... વ્રુધ્ધાએ ફોટાને છાતી સરસો દબાવીને ગંગા - જમનાનો અભિષેક ... વ્રુધ્ધે કહ્યું , `લ્યો , હવ ફોટો....'



ભગવત સુથાર

Wednesday, April 18, 2007

જય વસાવડા

ઘણાં દિવસથી મારા પ્રિય લેખક શ્રી જય વસાવડા વિશે નેટ પર શોધ કરતો હતો ત્યાં મને આ એક એમની સરસ સુંદર ઓડીયો મુલાકાત મળી ગયી . આશા છે તમને ગમશે.

Thursday, April 12, 2007

વેદના

શ્યામાએ ધીમી ચાલે આવી મારા હાથમાં જિંજરનો પ્યાલો પકડાવ્યો. રૂમમાંથી રસોડામાં જવા ચાલવા લાગી ને કોણ જાણે કેમ જિંજરથી ભરેલો પ્યાલો હિલોળા લેવા લાગ્યો ને શ્યામાને પણ જાણે ચક્કર આવતાં હોય તેમ ત્યાં ને ત્યાં રૂમમાં બેસી ગઈ. તરત જ મારી નજર બારીમાં પડી. ધૂળની ડમરી ઊડતી હતી. અંધકાર છવાયો. બારી-બારણાંનો ભટકવાનો અવાજ; ઘડીભર મ્રુત્યુનો જાણે સાક્ષાત્કાર ને જીવ અધ્ધર થઈ ગયો હતો . શ્યામાનું હેતાળ હૈયું , મારો અહમ - બધુંએ ધ્રુજતું હતું. ને ધરાના પેટાળમાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલો ધગધગતો લાવા જાણે આળસ ખંખેરી સાવ નિ:સ્પ્રુહપણે ગોળ - ગોળ ફરી રહ્યો હતો. આફ્ટરશોક આવ્યો.... શ્યામા અને હું સાવ સમીપ આવી ગયાં ને બેઉ જણાં ઊભા થયાં. જોયું તો આખું ગામ ઊભી વાટ હતું... અરેરાટી , અનુકંપા, કિકિયારીઓ સંભળાતી હતી. ને શ્યામા રૂમમાંથી સડસડાટ ચાલી ગઈ... સામેના મહોલ્લામાં... ! જઈને જુએ છે તો કંઈક નવું જ બન્યું હતું... ! !


મોઢા ઉપર જાણે પથ્થર મુકાઈ ગયો. હ્રદયમાં બસ વેદના જ વેદના... ! આમ તેમ નજર ફેરવતી ઘરભણી જઈ રહી છે. ચારેબાજુ પથ્થરોના ઢેર... કરુણ દ્ર્શ્યો જ દ્રશ્યો... માંડ... માંડ... શ્યામા આવી પહોંચી. પણ.... !


હું બેઠેલો ; મારું કાંઈ ન બોલવું , ઊભા ન થવું એ તેની વ્યથામાં વધારો કરતું હતું ને આવી ખોળામાં માતું નાખી ધ્રુસ્કે - ધ્રુસકે અફાટરુદન કરી રહી હતી. મારા દિલમાં શૂળો ભોંકાતી હોય એમ વેદનાનું મોજું ફરી વળ્યું. પણ એ કાંઈ જ બોલતી ન હતી... મેં હળવેકથી માથા પર હાથ ફેરવ્યો . ધીમે ધીમે શાંત પડીને બોલી , ' શું બેસી રહ્યા છો ? ચાલો ; અનાથ થય એલા બાળકને દત્તક લેવા ! ! '

અશ્વિન મો. પટેલ

Tuesday, April 10, 2007

કૃપા

પરિમલને નોકરીમાં કંઈ અન્યાય થતાં તે ખૂબ નિરાશ બની ગયો. 'મારા નસીબમાં જ અન્યાય લખાયેલો છે. નાનપણમાં મા ગુમાવી , અપર મા પાસે ઉછેર થયો.... તેણે બાપુજી પાસે જિદ્દ કરી મને ઘરની મિલકતમાં પણ અન્યાય કરાવ્યો '.
સુવાસે પતિને સાંત્વન આપ્યું : હશે , હવે નસીબમાં જે મળવાનું હશે તે કોઈ ઝૂંટવી નહીં શકે.'
' ના, પણ સુવાસ , અકારણ અન્યાય થાય છે ત્યારે ભાંગી પડાય છે.'
તારી વાત સાચી છે, પણ તારે એમ માનવું કે આવા અન્યાય કોઈ વ્યક્તિ તરફથી થાય છે. તું જ કહે કુદરત તરફથી આપણને કોઈ અન્યાય થાય તો આપણે શું કરી શકીએ ?'
સુવાસ બોલતાં તો બોલી ગઈ પણ પછી તેના ભુતકાળમાં ખોવાઈ ગઈ. પોતે રૂપાળી હતી, મનપસંદ યુવક સાથે સગપણ થયેલું . પણ અકસ્માત પછી ચહેરા ઉપર 'પ્લાસ્ટિક સર્જરી' થતાં તે યુવકે સગપણ તોડી નાખ્યું. .
પરિમલ પણ કંઈ વિચારમાં ખોવાઈ ગયો... તે જાણતી હતી કે 'રિસર્ચ' કરતાં અકસ્માતે ' કેમિકલ ' ઉડવાથી તેની એક આંખ ગયેલી. પી. એચ. ડી. ડિગ્રીધારી આ સ્માર્ટ યુવાનને મારી સાથે પરણવું પડ્યું.
વિચારમાં ખોવાયેલ પતિને જોઈ તે સભાન થઈ ગઈ. પરિમલના ગાલે મીઠી ટપલી મારી તે બોલી : 'મિસ્ટર ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ થાય છે; સમજ્યા ? આપણે બંને કેટલા આનંદથી જીવીએ છીએ ?'
વિચારોમાંથી જાગેલ પરિમલે પોતાના પ્રસન્ન દામ્પત્યના અનુસંધાને જ જાણે કહ્યું હોય તેમ સુવાસને ચુંબન આપતાં કહ્યું : ' હા , તું સાચું કહે છે, આપણી ઉપર કુદરત ની કૃપા છે

ડૉ . અશ્વિન મ. વસાવડા