skip to main |
skip to sidebar
વેદના
શ્યામાએ ધીમી ચાલે આવી મારા હાથમાં જિંજરનો પ્યાલો પકડાવ્યો. રૂમમાંથી રસોડામાં જવા ચાલવા લાગી ને કોણ જાણે કેમ જિંજરથી ભરેલો પ્યાલો હિલોળા લેવા લાગ્યો ને શ્યામાને પણ જાણે ચક્કર આવતાં હોય તેમ ત્યાં ને ત્યાં રૂમમાં બેસી ગઈ. તરત જ મારી નજર બારીમાં પડી. ધૂળની ડમરી ઊડતી હતી. અંધકાર છવાયો. બારી-બારણાંનો ભટકવાનો અવાજ; ઘડીભર મ્રુત્યુનો જાણે સાક્ષાત્કાર ને જીવ અધ્ધર થઈ ગયો હતો . શ્યામાનું હેતાળ હૈયું , મારો અહમ - બધુંએ ધ્રુજતું હતું. ને ધરાના પેટાળમાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલો ધગધગતો લાવા જાણે આળસ ખંખેરી સાવ નિ:સ્પ્રુહપણે ગોળ - ગોળ ફરી રહ્યો હતો. આફ્ટરશોક આવ્યો.... શ્યામા અને હું સાવ સમીપ આવી ગયાં ને બેઉ જણાં ઊભા થયાં. જોયું તો આખું ગામ ઊભી વાટ હતું... અરેરાટી , અનુકંપા, કિકિયારીઓ સંભળાતી હતી. ને શ્યામા રૂમમાંથી સડસડાટ ચાલી ગઈ... સામેના મહોલ્લામાં... ! જઈને જુએ છે તો કંઈક નવું જ બન્યું હતું... ! !
મોઢા ઉપર જાણે પથ્થર મુકાઈ ગયો. હ્રદયમાં બસ વેદના જ વેદના... ! આમ તેમ નજર ફેરવતી ઘરભણી જઈ રહી છે. ચારેબાજુ પથ્થરોના ઢેર... કરુણ દ્ર્શ્યો જ દ્રશ્યો... માંડ... માંડ... શ્યામા આવી પહોંચી. પણ.... !
હું બેઠેલો ; મારું કાંઈ ન બોલવું , ઊભા ન થવું એ તેની વ્યથામાં વધારો કરતું હતું ને આવી ખોળામાં માતું નાખી ધ્રુસ્કે - ધ્રુસકે અફાટરુદન કરી રહી હતી. મારા દિલમાં શૂળો ભોંકાતી હોય એમ વેદનાનું મોજું ફરી વળ્યું. પણ એ કાંઈ જ બોલતી ન હતી... મેં હળવેકથી માથા પર હાથ ફેરવ્યો . ધીમે ધીમે શાંત પડીને બોલી , ' શું બેસી રહ્યા છો ? ચાલો ; અનાથ થય એલા બાળકને દત્તક લેવા ! ! '
અશ્વિન મો. પટેલ
No comments:
Post a Comment