Wednesday, October 31, 2007

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી


આજે આપણા લાડીલા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે અને મેં જોયુ કે આપણા કહેવાતા અગ્રણી અખબારોમાંથી એક પણમાં એક નાનો અણસાર સુધ્ધા નથી બહુ જ દુ:ખની વાત કહેવાય.

Wednesday, September 26, 2007

મિચ્છામી દુક્કડમ

આપ સર્વે ને મારા તરફથી મિચ્છામી દુક્કડમ


મિચ્છામી દુક્કડમ

Monday, September 24, 2007

ફાઇનલ

આજે તો ફાઇનલ જોવાની મજા પડી ગયી, ભારત જીતી ગયુ માટે ડબલ મજા અને આવી થ્રીલર જીત્યુ એટલે તો આનંદ બેવડાઇ ગયો.

Monday, August 27, 2007

નવો મોબાઈલ

મે નવો મોબાઈલ લેવાનો વિચાર કર્યો છે. છેલ્લા 4 કરતા વધારે વરસથી એક નો એક ફોન વાપરીને હવે હું કંટાળ્યો છુ અને મોટોરોલાનો મોટોરોકર E6 મને ખુબ જ ગમી ગયો છે તો તે દિવાળીમાં લેવાની ઈચ્છા છે..અત્યારે તો બધું વિચારીને રાખ્યું છે જો બધુ બરાબર પાર ઉતરશે તો નવા વરસે નવા મોબાઈલ સાથે ફોટા પાડવાની ઈચ્છા છે

Tuesday, August 21, 2007

સ્ટાર ઓફિસ

ગયા શુક્રવારે ગૂગલ પેક પરથી સ્ટાર ઓફિસ ડાઉંલોડ કર્યું અને વાપર્યુ , ખુબ જ સરસ સોફ્ટવેર છે અને હા ખરેખર તો તે ઓપનઓફિસ નુ જ એક્સ્ટેંડેડ વર્ઝન છે. જે ખુબીઓ ઓપનઓફિસમાં નથી તે આમા છે અને હા માત્ર ગૂગલ ના લિધે જ ફ્રી છે નહી તો એ પણ $79 માં મળે છે.

Monday, July 02, 2007

26 જુલાઈ ?

ગઇ તારેખ 30 જુને અમે પ્રત્યક્ષ રીતે પૂરનો અનુભવ કર્યો. અત્યાર સુધી ટીવી પર જોતા અને રેડિયોમાં પૂરના સમાચાર સાંભળતા હતા, અને લાગતુ હતું કે આ લોકો તેનો સામનો કેવી રીતે કરતા હશે ..તો ઊપરવાળાએ અમને પણ એનો અનુભવ કરાવી દીધો.

26જુલાઈ એ પણ અમારા ઘરે પાણી આવ્યુ નહોતુ પણ આ વખતે ખબર નહી શુ થયુ અને બંને ઘર ( બાજુ બાજુની બંને રૂમો ) માં પાણી ભરાઈ ગયું. સવારે 11:00 વાગ્યા સુધી તો કાંઈ હતુ નહી પણ બપોરે 2:00-2:30 વાગતા સુધીમાં તો બંને ઘરમાં પાણી ભરાઈ ગયું અને હું અને પપ્પા બંને મળીને ઘરમાંથી સાંજે 5 વાગતા સુધીમાં વરસાદ ઓછો થતાં બધું પાણી કાઢી નાખ્યું. અને હા આ બધા વચ્ચે ઘરનો સામાન ફેરવ્યો એ અલગ...

આ દિવસ જરૂર યાદ રહેશે જીંદગીભર.

Tuesday, June 05, 2007

વાવ

મારા નાનાજીના ગામે (ઝીંઝવા ) એક સુંદર કલાત્મક વાવ (STEP WELL) છે . જેમાં ખુબ જ સુંદર કોતરણી છે અને હા એક વાત જે મને હંમેશા તેની તરફ આકર્ષે છે તે છે તેમાં રહેલો એક શીલાલેખ જેમાં એ સમયના જમાનની ભાષામાં કીંઈ લખેલું છે. મને હવે જ્યારે ફરી વખત ત્યાં જવા મળશે તો જરૂર કેમેરા લઈને જઈશ અને તેનો એક સરસ મજાનો અને મોટૉ ફોટો લઈને આવીશ અને પોસ્ટ કરીશ .

Monday, May 28, 2007

પેંગ્વિંસ અ લવ સ્ટોરી


રવિવારે સાંજે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર પેંગ્વિંસ અ લવ સ્ટોરી પીક્ચર જોયુ . ખુબ જ મજા આવી, ફિલ્મની ફોટોગ્રાફી અને સાથે સાથે અમિતાભ બચ્ચનનો ભાવવાહી અવાજ બેંને મળીને એક સુંદર ક્રુતી સર્જી છે . હું બધાને જોવાની સલાહ આપીશ .

Friday, May 11, 2007

બાપ

આજે તે પોતાની નમાઈ દિકરીના અંતિમ વિદાય પ્રસંગે આવી ઊભો હતો . અમાપ અતીત તેની જૈફ આંખ આગળથી સરતો હતો. તેની પરવરિશમાં તેણે ક્યાં કશી મણા રાખી હતી ? તાલુકાના મથકે નોકરી હોવા છતાં તે અવારનવાર શે'રમાં લઈ જતો , મોજમજાહ કરાવતો . પૈસાની ખેંચ તે પોતાના ખર્ચામાં કાપ મૂકી સરભર કરવાની મથામણ કરતો પણ... તેણે ક્યાં ક્યારેય દરકાર કરી હતી ??

વર્ષો પહેલાંની એક શિયાળાની નમતી સાંજે માત્ર એક નાનકડી ચીઠ્ઠી મૂકી તે ચૂપચાપ ચાલી નીકળી હતી . તેના જિદ્દી સ્વભાવને કારણે સમજાવટને સરિયામ નિષ્ફળતા મળી હતી. શેવાળ જેવો સંબંધ સ્નેહવારી ન મળતાં લગભગ નામશેષ બની ચૂક્યો હતો અને આજે...

કૉફિન લાવવામાં આવ્યું . અંતિમવિધિ લગભગ પૂરી થવામાં હતી . ત્યાં તેની એકાએક નજર કૉફિનના પહોળા ભાગ તરફ ડોકાતી ખીલી પર પડી !

એકાએક તે બોલી ઊઠ્યો , `અરે , આ તરફની ખીલીને હથોડીથી દબાવી દો નહીં તો તેને વાગી જશે...'

સૌ ચિત્રવત ઊભા હતા .


પ્રા. મુકુંદ દે. ભટ્ટ

Thursday, April 26, 2007

ફોટો

એક વ્રુધ્ધ દંપતી મારા સ્ટુડિયોમાં માંડમાંડ ઉપર આવ્યું. તેમની સાથે એક ત્રણેક વર્ષનું બાળક . તેને તેમની શક્તિ પ્રમાણે બરાબર સજાવવા લાગ્યાં . તેની બાબરી વ્યવસ્થિત કરી. મેં પૂછ્યું , ' કેમ આટલા વાળ છે ? શું બાબરી લીધી છે ?'


વ્રુધ્ધા મારી સામે એકીટસે જોઈ રહી. તેની આંખ ભીની થઈ. તેના હોઠ માંડ માંડ હલ્યા. ઊંડો શ્વાસ ખેંચીને ધીરે રહીને બોલી, 'સા'! ઇના વાંકડિયા અને કાળા ભમર વાળ તો દશ્મનને પણ ગમે તેવા હતા . પણ શી ખબર્ય હતી એક ગોઝારો રોગ વળજ્યો ન આ હમ ખાવાની ચોટલી રઈ. ' વ્રુધ્ધાનું ગળું ભરાઈ ગયું. વ્રુધ્ધ સામે તે જોઈ રહી. વ્રુધ્ધે ઊંડો નિસાસો નાખતાં કહ્યું, ' સા'! હતો તાર તો તે હતો રાતી રાયણ જેવો.. અને ભફલા જેવો . ઈન ઊચકીન દહ ડગલાં ભરતાં તો હોંફી જવાતું . જ્યાર આજ ઈન જુઓ, છ ન દાતણની હૉઠકડી .' વ્રુધ્ધે પણ આંખો લૂછતાં કહ્યું,'ડૉક્ટરે શું કહ્યું ? દવા - બવા ?'


'દાક્તર ભગવોન ન કહેવરાય . નિતનિત નવા રોગ હતા એટલે રૂપિયા હૉમ્યા . ફોટા પડાયા.... રપૉર્ટ કઢાયાય બધા કે નખમોંય રોગ નથી . અંજીશન અને ગોળીઓ . પણ દા'ડ દા'ડ શરીર લેવાતું જ્યુ ન તમે ....' વ્રુધ્ધે માંડ માંડ કહ્યું . પહેરણની ચાળથી આંખો લૂછી.


`તેના માબાપ નથી કે તમારે આ ઉંમરે ?' મારાથી પુછાઈ ગયું . બંને અન્યોન્ય સામે જોઈ રહ્યાં . જાણે કોણ બોલે ?`સા'! કારખનેથી કૉમ કરીન બન્યો પાછા વળતાં'તા.... ત્યાં એક ટોળે ઘેરી લીધાં અન ગ્યાસતેલ ... ' વ્રુધ્ધા રડી પડી; ભાંગી પડી . `અમો કમભાગી આ ફૂલન હાચવવા ... તૂટમૂટ ઑયડીમૉ....'`ભઈ ! આ અમ જીવનની આ એક આશનો અમોન અસ્સ્લ ...' વ્રુધ્ધા પેલા બાળકને તેડી ટેબલ પાસે આવી .


` ભઈલા ! એક ઈનો ફોટો અન એક અમારો ભેગો ...જીવવાનો જોણ આશરોય ... અમ ગરીબ કાજ...'`કાલે સાંજે આવજો.' મેં ભીના સ્વરે કહ્યું.`સા'! પૈસા ...? '`કાલે કહીશ . 'બીજે દિવસે બંને આવ્યાં . વ્રુધ્ધાએ કાળો સાડલો ... વ્રુધ્ધાએ ફોટાને છાતી સરસો દબાવીને ગંગા - જમનાનો અભિષેક ... વ્રુધ્ધે કહ્યું , `લ્યો , હવ ફોટો....'ભગવત સુથાર

Wednesday, April 18, 2007

જય વસાવડા

ઘણાં દિવસથી મારા પ્રિય લેખક શ્રી જય વસાવડા વિશે નેટ પર શોધ કરતો હતો ત્યાં મને આ એક એમની સરસ સુંદર ઓડીયો મુલાકાત મળી ગયી . આશા છે તમને ગમશે.

Thursday, April 12, 2007

વેદના

શ્યામાએ ધીમી ચાલે આવી મારા હાથમાં જિંજરનો પ્યાલો પકડાવ્યો. રૂમમાંથી રસોડામાં જવા ચાલવા લાગી ને કોણ જાણે કેમ જિંજરથી ભરેલો પ્યાલો હિલોળા લેવા લાગ્યો ને શ્યામાને પણ જાણે ચક્કર આવતાં હોય તેમ ત્યાં ને ત્યાં રૂમમાં બેસી ગઈ. તરત જ મારી નજર બારીમાં પડી. ધૂળની ડમરી ઊડતી હતી. અંધકાર છવાયો. બારી-બારણાંનો ભટકવાનો અવાજ; ઘડીભર મ્રુત્યુનો જાણે સાક્ષાત્કાર ને જીવ અધ્ધર થઈ ગયો હતો . શ્યામાનું હેતાળ હૈયું , મારો અહમ - બધુંએ ધ્રુજતું હતું. ને ધરાના પેટાળમાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલો ધગધગતો લાવા જાણે આળસ ખંખેરી સાવ નિ:સ્પ્રુહપણે ગોળ - ગોળ ફરી રહ્યો હતો. આફ્ટરશોક આવ્યો.... શ્યામા અને હું સાવ સમીપ આવી ગયાં ને બેઉ જણાં ઊભા થયાં. જોયું તો આખું ગામ ઊભી વાટ હતું... અરેરાટી , અનુકંપા, કિકિયારીઓ સંભળાતી હતી. ને શ્યામા રૂમમાંથી સડસડાટ ચાલી ગઈ... સામેના મહોલ્લામાં... ! જઈને જુએ છે તો કંઈક નવું જ બન્યું હતું... ! !


મોઢા ઉપર જાણે પથ્થર મુકાઈ ગયો. હ્રદયમાં બસ વેદના જ વેદના... ! આમ તેમ નજર ફેરવતી ઘરભણી જઈ રહી છે. ચારેબાજુ પથ્થરોના ઢેર... કરુણ દ્ર્શ્યો જ દ્રશ્યો... માંડ... માંડ... શ્યામા આવી પહોંચી. પણ.... !


હું બેઠેલો ; મારું કાંઈ ન બોલવું , ઊભા ન થવું એ તેની વ્યથામાં વધારો કરતું હતું ને આવી ખોળામાં માતું નાખી ધ્રુસ્કે - ધ્રુસકે અફાટરુદન કરી રહી હતી. મારા દિલમાં શૂળો ભોંકાતી હોય એમ વેદનાનું મોજું ફરી વળ્યું. પણ એ કાંઈ જ બોલતી ન હતી... મેં હળવેકથી માથા પર હાથ ફેરવ્યો . ધીમે ધીમે શાંત પડીને બોલી , ' શું બેસી રહ્યા છો ? ચાલો ; અનાથ થય એલા બાળકને દત્તક લેવા ! ! '

અશ્વિન મો. પટેલ

Tuesday, April 10, 2007

કૃપા

પરિમલને નોકરીમાં કંઈ અન્યાય થતાં તે ખૂબ નિરાશ બની ગયો. 'મારા નસીબમાં જ અન્યાય લખાયેલો છે. નાનપણમાં મા ગુમાવી , અપર મા પાસે ઉછેર થયો.... તેણે બાપુજી પાસે જિદ્દ કરી મને ઘરની મિલકતમાં પણ અન્યાય કરાવ્યો '.
સુવાસે પતિને સાંત્વન આપ્યું : હશે , હવે નસીબમાં જે મળવાનું હશે તે કોઈ ઝૂંટવી નહીં શકે.'
' ના, પણ સુવાસ , અકારણ અન્યાય થાય છે ત્યારે ભાંગી પડાય છે.'
તારી વાત સાચી છે, પણ તારે એમ માનવું કે આવા અન્યાય કોઈ વ્યક્તિ તરફથી થાય છે. તું જ કહે કુદરત તરફથી આપણને કોઈ અન્યાય થાય તો આપણે શું કરી શકીએ ?'
સુવાસ બોલતાં તો બોલી ગઈ પણ પછી તેના ભુતકાળમાં ખોવાઈ ગઈ. પોતે રૂપાળી હતી, મનપસંદ યુવક સાથે સગપણ થયેલું . પણ અકસ્માત પછી ચહેરા ઉપર 'પ્લાસ્ટિક સર્જરી' થતાં તે યુવકે સગપણ તોડી નાખ્યું. .
પરિમલ પણ કંઈ વિચારમાં ખોવાઈ ગયો... તે જાણતી હતી કે 'રિસર્ચ' કરતાં અકસ્માતે ' કેમિકલ ' ઉડવાથી તેની એક આંખ ગયેલી. પી. એચ. ડી. ડિગ્રીધારી આ સ્માર્ટ યુવાનને મારી સાથે પરણવું પડ્યું.
વિચારમાં ખોવાયેલ પતિને જોઈ તે સભાન થઈ ગઈ. પરિમલના ગાલે મીઠી ટપલી મારી તે બોલી : 'મિસ્ટર ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ થાય છે; સમજ્યા ? આપણે બંને કેટલા આનંદથી જીવીએ છીએ ?'
વિચારોમાંથી જાગેલ પરિમલે પોતાના પ્રસન્ન દામ્પત્યના અનુસંધાને જ જાણે કહ્યું હોય તેમ સુવાસને ચુંબન આપતાં કહ્યું : ' હા , તું સાચું કહે છે, આપણી ઉપર કુદરત ની કૃપા છે

ડૉ . અશ્વિન મ. વસાવડા

Wednesday, March 28, 2007

આદમી

જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી ,

દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !


સાંધી શકાય કોઈ દિ' સંભવ નથી હવે,

કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !


માનસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,

વરવો હવે છપાય છે છાપામાં આદમી !


કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,

સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !


જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,

વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !


આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,

શેની કરે તલાશ આ છાયામાં આદમી ?


શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,

'આશિત ' મૂંઝાય '' અને 'અથવા' માં આદમી


આશિત હૈદરાબાદી

Thursday, March 08, 2007

વર્લ્ડ કપ

આજ કાલ બધા ભારતે વર્લ્ડ કપ જીતવા શું કરવું જોઈએ એની સલાહ આપ્યા કરતા હોય છે ..ત્યારે મે એક સરસ જાહેરખબર જોઈ હતી , તેમાં પ્રોડક્ટ અને વર્લ્ડ કપ બંને ને સરસ રીતે સાંકળી લેવાયા છે .

આ જાહેરાત નીચે મુજબ છે

THE 2 THINGS INDIAN BOYS NEEDS MOST TO WIN THIS WORLD CUP

1 ) मां का दुध

2 ) Jumbo King Vadapav

( ખુબ જ સરસ વિચાર છે ) ..તમારું શું માનવું છે ?

Monday, February 12, 2007

ગુજરાતીના 200 યાદગાર પુસ્તકો

આરપાર મેગેઝીને ગુજરાતી ભાષાના સૌથી સુંદર 200 પુસ્તકોનુ લિસ્ટ તૈયાર કર્યું છે , જેમાં મારે જે વાંચવાની વર્ષોથી ઈચ્છા છે એ પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથનો પણ સમાવેશ છે .... આશા છે ક્યારેક આ બંને પુસ્તકો વાંચી શકીશ. આ લિસ્ટ અહીંથી મળી શકશે .

Friday, February 09, 2007

નેટ પર ગુજરાતી

છેલ્લા કેટલાક દિવસોથી આ વાત લખવી હતી , પણ સમય નહોતો મળ્યો , આજે મળ્યો છે તો જણાવી દઉં કે બે નવી ગુજરાતી વેબસાઈટ ચાલુ થઈ છે , તેમાંથી એક તો યાહુ એ શરૂ કરી છે જે અહીં જોઈ શકાશે અને બીજી આપણા ગુજરાતીના લોકકલાકાર સાંઈરામે શરૂ કરી છે , જે અહીં જોઈ શકાશે.

Thursday, January 18, 2007

ઊત્તરાયણ સ્પેશિયલ


અનામી -આમંત્રણ

પરમક્રુપાળુ પવનદેવની ઈષ્ટ ક્રુપાથી
શ્રીમતી સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભ લગ્ન

શ્રીમતી ફિરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તારીખ 14 જાન્યુઆરી ના રોજ નિરધાર્યા છે .
તો, આ શુભ ખેંચાણિયા પ્રસંગે ઊડણિયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વ્રુધ્ધિ કરશોજી. .....

વિશેષ નોંધ : ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.
મારા મિત્રએ મને ઊત્તરાયણ નિમિત્તે મોકલેલું સુંદર નિમંત્રણ.