Friday, December 22, 2006

લાજ

સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતી રઘુકાકાને હવે કોઈ ઓળખતું નથી. એવુ કેમ બને ? એમણે સ્ત્રીઓને કુરિવાજોના ભાર તળે દબાવી દેતા આ સમાજ સામે હંમેશા વિરોધ પ્રકટ કર્યો છે. એમનાં ચોટદાર ભાષણોને કારણે મોટાં શહેરો તો ઠીક પણ ગામડાઓમાં પણ ભાષણોનું આયોજન થવા લાગ્યું હતું.

રઘુકાકા જ્યારે ભાષણ શરૂ કરે ત્યારે પહેલી વાત સ્ત્રીઓના ઘૂમટાની જ હોય. રૂઢિચુસ્ત પરિવારોમાં આજે પણ સ્ત્રીઓને સાડીના છેડાથી મોં ઢાંકી લાજ કાઢવી પડે છે. આ બાબતે રઘુકાકા હંમેશા વિરોધમાં હોય, ``જૂના રિવાજો છોડીને નવા જમાના પ્રમાણે સ્ત્રીઓને મુક્ત કરાવવા મથતા રહેવું. એ મારું જીવન છે.'એવું સતત કહ્યા કરે.

એક વખત રઘુકાકા મહેમાન તરીકે સંદીપભાઈના ઘેર ગયેલા . રાત્રિરોકાણ દરમિયાન અનેક વાતો થયેલી. વહેલી સવારે સંદીપભાઈના પત્ની સાડીનો ઘૂમટો તાણીને ચાનો પ્યાલો આપવાં આવ્યાં, ત્યારે રઘુકાકા બોલ્યા, `તમે પણ ખરાં છો ! હું જેનો વિરોધ કરવા અહીં આવ્યો છું. તે જ બાબત તમારા ઘરમાં ?તમે સાડીનો છેડો માથેથી હટાવી દો, મને ખૂબ ગમશે.સ્ત્રીને પોતાના સૌંદર્ય બતાવવાનો અધિકાર છે.હવે તમે નવા જમાનાના છો. એ કેમ ભૂલ્યાં...?" પરંતુ આ વાત સાંભળવા સંદીપભાઈના પત્ની નહોતાં ઊભા રહ્યાં.એ રસોડામાં દોડી ગયા, ત્યારે સંદીપભાઈ બાજુના રૂમના બારણે ઊભા રહીને સાંભળતા હતા. એ વખતે સંદીપભાઈના કાને શબ્દો પડ્યા... `ચિબાવલી, ન જોઈ હોય તો ! પોતાના રૂપને આમ ઢાંકીને રાખવું એ સ્ત્રી માટે કેટલું વાજબી ? મારા જેવા `રસિક' નું શું થશે ? છટ...'

સહજ નીકળેલા ઉદગાર સાંભળીને સંદીપભાઈએ રઘુકાકાની સામે આવી કહ્યું, ` કાકા , સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો ભલે કરો, પરંતુ આપણા પૂર્વજોને દોષ ન દેશો, કદાચ એમણે બહુ વિચારીને વહુને લાજ કઢાવી હશે ને ! શક્ય છે , એમના જમાનામાં પણ અનેક રઘુકાકાઓ હતા ... !!'

રાજુકાનાણી
કુમારમાંથી સાભાર

Wednesday, December 20, 2006

મા


થઈ અજાણી શ્હેરમાં આવ્ય પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ ,
સાવ કોરી પાટીમાં જ્યાં સહેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં?
રોજ ખરચાતી રહી છે થોડી મા !

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું 'બેદિલ' રડ્યો ત્યારે થઈ છે જાણ ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી માં

અશોક ચાવડા 'બેદિલ '
કુમારમાંથી સાભાર

Tuesday, December 19, 2006

ડરે

પદાવલી તું શાને મુજરો કરે ?
ઋષિવર લતકે ચળ્યા ભલે ને,
ચળે ન કવિવર ખરે !

ખોખર શબ્દજહાજ લાંગરે
અનુભવશૂન્ય કિનારે ,
પાયો પાકો ચણ્યો નહીં ને

કવિ પહોંચ્યા મિનારે;
કડડભૂસ બધું તુટવા માંડે
કોણ તારે કે તરે ?
ફુત્કારે ફણિધર યમુનામાં
જળચર સઘળાં ભડકે,
હુંપદ-ધર કવિવર ડોલે જ્યાં

લયનાલાગણીઓ અડકે ;
ધબાક ડૂબકી કોણે મારી ?
કવિ દમનથી ડરે !
ધીરુ પરીખ
કુમાર માંથી સાભાર

Friday, December 15, 2006

આપણો સબંધ

ચાંદનીની છૉળો મહીં
ઉદધિના વિરહનું ગાન,
ભાન ભૂલી રાન મહીં ગૂંજ્યા કરે,
(દૂરતાનો ઉન્મેષ કે
સાયુજ્યના વાસુકિની
જીભકેરા લબકાર ?!!)

કિનારા છે સળવળ : ગતિશીલ
ગતિહીન મઝધાર...!!
દૂર...દૂર ક્ષિતિજના
તરંગ વલય ગ્રહી
પીગળતી લહેરના
ઉઘડતાં નેણ મહીં
પીળચટ્ટી ગંધ,

પીળચટ્ટી ગંધ,
નાખી સ્કંધ પરે
પાણી પર દોડ્યો આવે
આપણો સબંધ...!!!

ડાહ્યાભાઈ પટેલ 'માસૂમ'

Thursday, December 14, 2006

વર્ષો ગયા


વર્ષો ગયા : પકડીને વય,કાળ ઊડ્યો...
ઊભો હું દક્ષિણ,તું ઉત્તર, પીઠ પીઠ
વચ્ચે સજાઈ ગયું ઝાંઝવું કાચ છાયું
પાછું પ્રવેશ્યું રણ દાહક,તાપ આકરો
પીડે : હશે તપતી મેઘ વિના તું માટી
શી ! આપણે કદી મુખોમુખ ના થયાં, મળ્યા,
ખંડેર વાવ સરિખાં ચિતરાય બિંબ.
દેખું વહેણ જલનું જતું ક્યાંક ..... તારું
સ્પર્શી રહું વસન તારકદીપ ગૂંથ્યું,
ને નાસિકા,જ્યમ કપાસનું ફૂલ ફૂટે ...
છૂટે સમીર હળવોક રચાય ચહેરો.
-આવું તનેય તહીં થાતું હશે કદાચ !
વીતી ગયો સમય , હોય સદાય સૂકો,
લંબાયલો પથ, ન થાય જરાક ટૂંકો.

રામચંદ્ર પટેલ

Wednesday, December 13, 2006

લતા મંગેશકર નો સાક્ષાત્કાર

કેટલાક દિવસો પહેલા ગાયક સોનુ નિગમે એક રેડિયો ચેનલ પર લતાદીદીનો ઈન્ટર્વ્યુ લિધો હતો , જે ખુબ જ સરસ રહ્યો હતો ..મને પણ થોડો સાંભળવા મળ્યો હતો ..આજ ઈન્ટર્વ્યુ તમે અહિં વાંચી શકો છો. આશા છે તમને પણ ગમશે.