Friday, December 22, 2006

લાજ

સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતી રઘુકાકાને હવે કોઈ ઓળખતું નથી. એવુ કેમ બને ? એમણે સ્ત્રીઓને કુરિવાજોના ભાર તળે દબાવી દેતા આ સમાજ સામે હંમેશા વિરોધ પ્રકટ કર્યો છે. એમનાં ચોટદાર ભાષણોને કારણે મોટાં શહેરો તો ઠીક પણ ગામડાઓમાં પણ ભાષણોનું આયોજન થવા લાગ્યું હતું.

રઘુકાકા જ્યારે ભાષણ શરૂ કરે ત્યારે પહેલી વાત સ્ત્રીઓના ઘૂમટાની જ હોય. રૂઢિચુસ્ત પરિવારોમાં આજે પણ સ્ત્રીઓને સાડીના છેડાથી મોં ઢાંકી લાજ કાઢવી પડે છે. આ બાબતે રઘુકાકા હંમેશા વિરોધમાં હોય, ``જૂના રિવાજો છોડીને નવા જમાના પ્રમાણે સ્ત્રીઓને મુક્ત કરાવવા મથતા રહેવું. એ મારું જીવન છે.'એવું સતત કહ્યા કરે.

એક વખત રઘુકાકા મહેમાન તરીકે સંદીપભાઈના ઘેર ગયેલા . રાત્રિરોકાણ દરમિયાન અનેક વાતો થયેલી. વહેલી સવારે સંદીપભાઈના પત્ની સાડીનો ઘૂમટો તાણીને ચાનો પ્યાલો આપવાં આવ્યાં, ત્યારે રઘુકાકા બોલ્યા, `તમે પણ ખરાં છો ! હું જેનો વિરોધ કરવા અહીં આવ્યો છું. તે જ બાબત તમારા ઘરમાં ?તમે સાડીનો છેડો માથેથી હટાવી દો, મને ખૂબ ગમશે.સ્ત્રીને પોતાના સૌંદર્ય બતાવવાનો અધિકાર છે.હવે તમે નવા જમાનાના છો. એ કેમ ભૂલ્યાં...?" પરંતુ આ વાત સાંભળવા સંદીપભાઈના પત્ની નહોતાં ઊભા રહ્યાં.એ રસોડામાં દોડી ગયા, ત્યારે સંદીપભાઈ બાજુના રૂમના બારણે ઊભા રહીને સાંભળતા હતા. એ વખતે સંદીપભાઈના કાને શબ્દો પડ્યા... `ચિબાવલી, ન જોઈ હોય તો ! પોતાના રૂપને આમ ઢાંકીને રાખવું એ સ્ત્રી માટે કેટલું વાજબી ? મારા જેવા `રસિક' નું શું થશે ? છટ...'

સહજ નીકળેલા ઉદગાર સાંભળીને સંદીપભાઈએ રઘુકાકાની સામે આવી કહ્યું, ` કાકા , સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો ભલે કરો, પરંતુ આપણા પૂર્વજોને દોષ ન દેશો, કદાચ એમણે બહુ વિચારીને વહુને લાજ કઢાવી હશે ને ! શક્ય છે , એમના જમાનામાં પણ અનેક રઘુકાકાઓ હતા ... !!'

રાજુકાનાણી
કુમારમાંથી સાભાર

No comments: