Wednesday, March 28, 2007

આદમી

જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી ,

દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !


સાંધી શકાય કોઈ દિ' સંભવ નથી હવે,

કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !


માનસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,

વરવો હવે છપાય છે છાપામાં આદમી !


કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,

સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !


જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,

વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !


આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,

શેની કરે તલાશ આ છાયામાં આદમી ?


શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,

'આશિત ' મૂંઝાય '' અને 'અથવા' માં આદમી


આશિત હૈદરાબાદી

No comments: