Wednesday, March 28, 2007

આદમી

જીવી રહ્યો છે આજ આ સપનામાં આદમી ,

દેખાવથી જુદો જ છે, પડદામાં આદમી !


સાંધી શકાય કોઈ દિ' સંભવ નથી હવે,

કેવો વિભક્ત થઈ ગયો ટુકડામાં આદમી !


માનસનો અર્થ શોધવો મુશ્કેલ થઈ ગયો,

વરવો હવે છપાય છે છાપામાં આદમી !


કેવા વળાંક જિંદગી લેશે ખબર નથી,

સૂવે છે લઈ અજંપને પડખામાં આદમી !


જાગી જવાય ઊંઘથી તો રાતભર પછી,

વાતો કરે છે ભીંતથી કમરામાં આદમી !


આવે કશું ન હાથ ફક્ત ઝાંઝવા વિના,

શેની કરે તલાશ આ છાયામાં આદમી ?


શોધે છતાં કશોય કદી માર્ગ ના મળે,

'આશિત ' મૂંઝાય '' અને 'અથવા' માં આદમી


આશિત હૈદરાબાદી

Thursday, March 08, 2007

વર્લ્ડ કપ

આજ કાલ બધા ભારતે વર્લ્ડ કપ જીતવા શું કરવું જોઈએ એની સલાહ આપ્યા કરતા હોય છે ..ત્યારે મે એક સરસ જાહેરખબર જોઈ હતી , તેમાં પ્રોડક્ટ અને વર્લ્ડ કપ બંને ને સરસ રીતે સાંકળી લેવાયા છે .

આ જાહેરાત નીચે મુજબ છે

THE 2 THINGS INDIAN BOYS NEEDS MOST TO WIN THIS WORLD CUP

1 ) मां का दुध

2 ) Jumbo King Vadapav

( ખુબ જ સરસ વિચાર છે ) ..તમારું શું માનવું છે ?

Monday, February 12, 2007

ગુજરાતીના 200 યાદગાર પુસ્તકો

આરપાર મેગેઝીને ગુજરાતી ભાષાના સૌથી સુંદર 200 પુસ્તકોનુ લિસ્ટ તૈયાર કર્યું છે , જેમાં મારે જે વાંચવાની વર્ષોથી ઈચ્છા છે એ પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથનો પણ સમાવેશ છે .... આશા છે ક્યારેક આ બંને પુસ્તકો વાંચી શકીશ. આ લિસ્ટ અહીંથી મળી શકશે .

Friday, February 09, 2007

નેટ પર ગુજરાતી

છેલ્લા કેટલાક દિવસોથી આ વાત લખવી હતી , પણ સમય નહોતો મળ્યો , આજે મળ્યો છે તો જણાવી દઉં કે બે નવી ગુજરાતી વેબસાઈટ ચાલુ થઈ છે , તેમાંથી એક તો યાહુ એ શરૂ કરી છે જે અહીં જોઈ શકાશે અને બીજી આપણા ગુજરાતીના લોકકલાકાર સાંઈરામે શરૂ કરી છે , જે અહીં જોઈ શકાશે.

Thursday, January 18, 2007

ઊત્તરાયણ સ્પેશિયલ


અનામી -આમંત્રણ

પરમક્રુપાળુ પવનદેવની ઈષ્ટ ક્રુપાથી
શ્રીમતી સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભ લગ્ન

શ્રીમતી ફિરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તારીખ 14 જાન્યુઆરી ના રોજ નિરધાર્યા છે .
તો, આ શુભ ખેંચાણિયા પ્રસંગે ઊડણિયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વ્રુધ્ધિ કરશોજી. .....

વિશેષ નોંધ : ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.
મારા મિત્રએ મને ઊત્તરાયણ નિમિત્તે મોકલેલું સુંદર નિમંત્રણ.

Friday, December 22, 2006

લાજ

સ્ત્રી સ્વાતંત્ર્યના હિમાયતી રઘુકાકાને હવે કોઈ ઓળખતું નથી. એવુ કેમ બને ? એમણે સ્ત્રીઓને કુરિવાજોના ભાર તળે દબાવી દેતા આ સમાજ સામે હંમેશા વિરોધ પ્રકટ કર્યો છે. એમનાં ચોટદાર ભાષણોને કારણે મોટાં શહેરો તો ઠીક પણ ગામડાઓમાં પણ ભાષણોનું આયોજન થવા લાગ્યું હતું.

રઘુકાકા જ્યારે ભાષણ શરૂ કરે ત્યારે પહેલી વાત સ્ત્રીઓના ઘૂમટાની જ હોય. રૂઢિચુસ્ત પરિવારોમાં આજે પણ સ્ત્રીઓને સાડીના છેડાથી મોં ઢાંકી લાજ કાઢવી પડે છે. આ બાબતે રઘુકાકા હંમેશા વિરોધમાં હોય, ``જૂના રિવાજો છોડીને નવા જમાના પ્રમાણે સ્ત્રીઓને મુક્ત કરાવવા મથતા રહેવું. એ મારું જીવન છે.'એવું સતત કહ્યા કરે.

એક વખત રઘુકાકા મહેમાન તરીકે સંદીપભાઈના ઘેર ગયેલા . રાત્રિરોકાણ દરમિયાન અનેક વાતો થયેલી. વહેલી સવારે સંદીપભાઈના પત્ની સાડીનો ઘૂમટો તાણીને ચાનો પ્યાલો આપવાં આવ્યાં, ત્યારે રઘુકાકા બોલ્યા, `તમે પણ ખરાં છો ! હું જેનો વિરોધ કરવા અહીં આવ્યો છું. તે જ બાબત તમારા ઘરમાં ?તમે સાડીનો છેડો માથેથી હટાવી દો, મને ખૂબ ગમશે.સ્ત્રીને પોતાના સૌંદર્ય બતાવવાનો અધિકાર છે.હવે તમે નવા જમાનાના છો. એ કેમ ભૂલ્યાં...?" પરંતુ આ વાત સાંભળવા સંદીપભાઈના પત્ની નહોતાં ઊભા રહ્યાં.એ રસોડામાં દોડી ગયા, ત્યારે સંદીપભાઈ બાજુના રૂમના બારણે ઊભા રહીને સાંભળતા હતા. એ વખતે સંદીપભાઈના કાને શબ્દો પડ્યા... `ચિબાવલી, ન જોઈ હોય તો ! પોતાના રૂપને આમ ઢાંકીને રાખવું એ સ્ત્રી માટે કેટલું વાજબી ? મારા જેવા `રસિક' નું શું થશે ? છટ...'

સહજ નીકળેલા ઉદગાર સાંભળીને સંદીપભાઈએ રઘુકાકાની સામે આવી કહ્યું, ` કાકા , સ્ત્રીસ્વાતંત્ર્યની વાતો ભલે કરો, પરંતુ આપણા પૂર્વજોને દોષ ન દેશો, કદાચ એમણે બહુ વિચારીને વહુને લાજ કઢાવી હશે ને ! શક્ય છે , એમના જમાનામાં પણ અનેક રઘુકાકાઓ હતા ... !!'

રાજુકાનાણી
કુમારમાંથી સાભાર

Wednesday, December 20, 2006

મા


થઈ અજાણી શ્હેરમાં આવ્ય પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ ,
સાવ કોરી પાટીમાં જ્યાં સહેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં?
રોજ ખરચાતી રહી છે થોડી મા !

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું 'બેદિલ' રડ્યો ત્યારે થઈ છે જાણ ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી માં

અશોક ચાવડા 'બેદિલ '
કુમારમાંથી સાભાર

Tuesday, December 19, 2006

ડરે

પદાવલી તું શાને મુજરો કરે ?
ઋષિવર લતકે ચળ્યા ભલે ને,
ચળે ન કવિવર ખરે !

ખોખર શબ્દજહાજ લાંગરે
અનુભવશૂન્ય કિનારે ,
પાયો પાકો ચણ્યો નહીં ને

કવિ પહોંચ્યા મિનારે;
કડડભૂસ બધું તુટવા માંડે
કોણ તારે કે તરે ?
ફુત્કારે ફણિધર યમુનામાં
જળચર સઘળાં ભડકે,
હુંપદ-ધર કવિવર ડોલે જ્યાં

લયનાલાગણીઓ અડકે ;
ધબાક ડૂબકી કોણે મારી ?
કવિ દમનથી ડરે !
ધીરુ પરીખ
કુમાર માંથી સાભાર

Friday, December 15, 2006

આપણો સબંધ

ચાંદનીની છૉળો મહીં
ઉદધિના વિરહનું ગાન,
ભાન ભૂલી રાન મહીં ગૂંજ્યા કરે,
(દૂરતાનો ઉન્મેષ કે
સાયુજ્યના વાસુકિની
જીભકેરા લબકાર ?!!)

કિનારા છે સળવળ : ગતિશીલ
ગતિહીન મઝધાર...!!
દૂર...દૂર ક્ષિતિજના
તરંગ વલય ગ્રહી
પીગળતી લહેરના
ઉઘડતાં નેણ મહીં
પીળચટ્ટી ગંધ,

પીળચટ્ટી ગંધ,
નાખી સ્કંધ પરે
પાણી પર દોડ્યો આવે
આપણો સબંધ...!!!

ડાહ્યાભાઈ પટેલ 'માસૂમ'

Thursday, December 14, 2006

વર્ષો ગયા


વર્ષો ગયા : પકડીને વય,કાળ ઊડ્યો...
ઊભો હું દક્ષિણ,તું ઉત્તર, પીઠ પીઠ
વચ્ચે સજાઈ ગયું ઝાંઝવું કાચ છાયું
પાછું પ્રવેશ્યું રણ દાહક,તાપ આકરો
પીડે : હશે તપતી મેઘ વિના તું માટી
શી ! આપણે કદી મુખોમુખ ના થયાં, મળ્યા,
ખંડેર વાવ સરિખાં ચિતરાય બિંબ.
દેખું વહેણ જલનું જતું ક્યાંક ..... તારું
સ્પર્શી રહું વસન તારકદીપ ગૂંથ્યું,
ને નાસિકા,જ્યમ કપાસનું ફૂલ ફૂટે ...
છૂટે સમીર હળવોક રચાય ચહેરો.
-આવું તનેય તહીં થાતું હશે કદાચ !
વીતી ગયો સમય , હોય સદાય સૂકો,
લંબાયલો પથ, ન થાય જરાક ટૂંકો.

રામચંદ્ર પટેલ

Wednesday, December 13, 2006

લતા મંગેશકર નો સાક્ષાત્કાર

કેટલાક દિવસો પહેલા ગાયક સોનુ નિગમે એક રેડિયો ચેનલ પર લતાદીદીનો ઈન્ટર્વ્યુ લિધો હતો , જે ખુબ જ સરસ રહ્યો હતો ..મને પણ થોડો સાંભળવા મળ્યો હતો ..આજ ઈન્ટર્વ્યુ તમે અહિં વાંચી શકો છો. આશા છે તમને પણ ગમશે.

Friday, November 03, 2006

એક નવો પ્રયત્ન

આવતીકાલથી એક અઠવાડીયા માટે બીજી ઓફીસમાં ટ્રાયલ માટે જવાનો છું , જો તેમને મારુ કામ બરાબર લાગશે તો મારી નવી નોકરી પાક્કી. પણ એ પછી કદાચ હું મારો બ્લોગ ગુજરાતીમાં અપડેટ નહી કરી શકું

Monday, October 30, 2006

મુંબઈ દર્શન

ગયા મંગળવારે એટલેકે 24 તારીખે અમે બધા મુંબઈ દર્શન માટે ગયા હતા .ખરેખર તો અમારે દિવાળીમાં કુંભોજ બાહુબલી જવાનુ હતુ (કોલ્હાપુર ની જોડે) પણ કોઈ સારો સંગાથ ન મળવાને કારણે હવે અમે ડીસેમ્બરમાં જવાનુ રાખ્યુ છે. મુંબઈ દર્શન ખરેખર તો મારી ઢીંગલી ક્રેશા માટે જ નક્કી કર્યુ હતુ. સૌથી પહેલા તો અમે બોરીવલી નેશનલ પાર્કમાં આવેલ તીનમુર્તી પોદનપુર ગયા હતા, ત્યાં દર્શન કરી સીધા છોટા કાશ્મીર ગયા હતા , પણ ત્યાં કાંઈ મજા ના આવતા તરત જ નીકળી ગયા હતા, ત્યાંથી સીધા જ અમે રાણીબાગ ગયા હતા, ત્યા તો ક્રેશાને ખુબ જ મજા પડી ગયી હતી, એ તો આટલા બધા પ્રાણીઓને જોઈને ખુશ થઈ ગયી હતી, ત્યાર બાદ ત્યાંથી અમે ગેટ વે ઓફ ઈંડીયા જોવા ગયા અને ત્યાંથી મહાલક્ષ્મી મંદીર થઈને જુહુ બીચ પર ગયા ..ત્યાં થોડો નાસ્તો કરીને ઈસ્કોન મંદીર જોઈને ત્યાંથી સીધા ઘરે પાછા ફર્યા..લખવામાં જેટલુ જલ્દી પતી ગયુ એટલી જ વધાર વાર ફરવામાં લાગી હતી ...પુરા 12 કલાક થયા હતા, અમે બધાએ ખુબ જ મજા કરી ..

Saturday, October 28, 2006

ઘણાં દિવસે

આજે ઘણા દિવસે બ્લોગ અપડેટ કરવાનો ચાન્સ મળ્યો છે. આજકાલ ઓફિસમાં એટલી બધી અંધાધુંધી થઈ ગયી છે કે કામ કરવાનુ મન જ નથી થતુ. જોઈએ હવે આવું કેટલા દિવસ સુધી ચાલે છે.જોબ બદલવાનો પણ પ્રયત્ન ચાલુ છે. પણ હજી સુધી કાંઈ સારા સમાચાર ક્યાંયથી મળ્યા નથી. જોઈએ આ નવુ વરસ મારા માટે શું લઈને આવ્યુ છે.

Thursday, October 12, 2006

નાઈટ શીફ્ટ

આ આખુ અઠવાડીયું નાઈટ શીફટ કરી, વિચાર્યુ હતુ કે કામ ઓછુ હશે પણ ના એવુ નહોતુ કામ ઘણુ રહે છે અને આખી રાત ક્યાં નીકળી જાય છે એ જ ખબર નથી પડતી ...

Tuesday, September 26, 2006

ફુલ નાઈટ

આજે કદાચ આખી રાત ઓફીસમાં રોકાવુ પડશે, કારણકે કાલે સવારે પ્રસારીત કરવાનો કાર્યક્રમ હજી સુધી તૈયાર થયો નથી, તે આજે રાત્રે તૈયાર થશે અને રાતે જ હું અપલિંક કરીશ , ખબર નહી કેટલા વાગે મને તૈયાર કાર્યક્રમ મળશે.

Wednesday, September 06, 2006

મિચ્છામિ દુક્કડમ

મારા તરફથી સર્વે વાચકોને મિચ્છામિ દુક્કડમ,
અને હા બીજી એક વાત, મને ખબર પણ ના પડી અને મારો બ્લોગ શરુ કર્યે 2 વરસ થઈ ગયા, મને પોતાને નવાઈ લાગે છે કે જે વસ્તુ માત્ર અને માત્ર જીમેઈલનું આઈ-ડી મેળવવા માટે જ શરુ કર્યુ હતુ એ હવે મને પોતાને પણ ખુબ જ ગમવા લાગ્યુ છે અને જ્યારથી ગુજરાતીમાં લખવાનું શરુ કર્યુ છે ત્યારથી તો વધારે મજા આવે છે અને આશા રાખુ છું કે ભવિષ્યમાં પણ આ જ રીતે લખતો રહુ.

Tuesday, September 05, 2006

રવીવાર

રવીવારે પણ દેરાસર ગયો હતો અને પંડીતજીનું પ્રવચન અને એક ચર્ચા હતી નીશ્ચય અને વ્યવહાર ધર્મ પર , ખુબ જ મજા આવી અને એકદમ સરસ ચર્ચા હતી સાંભળીને બધા શ્રોતા ખુબ જ ખુશ થયા હતા ને એ ખુશી તેમના ચહેરા પર ઝળકતી હતી અને હા બાળકો દ્વારા તૈયાર કરેલા ધાર્મિક ચિત્રો અને મોડેલોનુ ખુબ જ સરસ પ્રદર્શન પણ માણ્યુ. બાળકો એ ખુબ જ મહેનત કરી હતી, હું ફોટા પાડવાનું ભુલી ગયો પણ પ્રયત્ન કરીશ કે કોઈએ પાડ્યા હોય તો લાવીને અપલોડ કરીશ , કાલે પર્યુષણનો છેલ્લો દિવસ છે.

શનીવારનો દિવસ

ગયા શનીવારે રજા હોવાને લીધે દેરાસરમાં ગયો હતો અને ત્યાં પંડીતજીનું પ્રવચન અને એક સરસ નાટક "સંસ્કાર નુ ફળ " જોયુ અને માણ્યુ. 15-20 બાળ કલાકારોએ ખુબ જ સરસ રીતે ભજવ્યુ હતું ખુબ જ આનંદ આવ્યો.

Monday, August 28, 2006

પર્યુષણ

આજથી પાવન પર્યુષણનો પ્રારંભ થયો છે, દર વખતે ગણપતી અને પર્યુષણ બંને જોડે જ આવે છે. પણ આ વખતે ગુજરાતી મહીનાના કોઈ કારણસર એક દિવસ પછી શરુ થયુ છે,

અમારી ઓફીસમાં દર વખતની જેમ આ વખતે પણ ગણપતી સ્થાપના કરી હતી દોઢ દિવસ માટે, તો જો તેના ફોટા મને મળશે તો હું અપલોડ કરીશ